|   Today : 02/12/2020       11:37:26    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

સરકારી મેરેથોનમાં બાળકો બનશે ભોગ

મોદીજીના ફળદ્રુપ ભેજામાં ઉદભવેલા રન ફોર યુનિટી નામના સરકારી જલ્સાનો ભોગ બિચારા શાળાએ જતા બાળકો બનશે. કારણ કે વડોદરામાં મેરેથોનને આ કાર્યક્રમ સાથે જોડી દઈ એક લાખ લોકોને રાજમાર્ગો પર ઉતારવાની તૈયારી થઇ ગઈ છે. પરિણામે ૧૫મી ડિસેમ્બરે યોજાનારી રન ફોર યુનિટીમાં રવિવાર હોવા છતાં શાળાઓને તેમના વિદ્યાર્થીઓ તથા વાલીઓને હાજર રાખવા તાકીદ કરવામાં આવી છે. માત્ર સંખ્યા એકઠી કરીને વિક્રમ કરવાના ગુમાનમાં કુમળા બાળકોને કલાકો સુધી ભૂખ્યા તરસ્યા રાખીને પલોટવાના સરકારી શોખ સામે વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. જો કે સૌ મોદી-સરકાર-સરકારી તંત્ર અને ભાજપી નેતાઓથી એટલા ગભરાય છે કે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર નથી.

વિશ્વ વિક્રમ સર્જવાના શોખીન અગ્રણીઓ અને સંસ્થાઓની સૌથી વધુ સંખ્યા વડોદરામાં હોય તેવો વિશ્વવિક્રમ પણ વડોદરાના નામે નોંધાય તો નવાઈ નહીં પણ આવા વિક્રમો સર્જવામાં વડોદરાની શાળાઓના વિદ્યાર્થીઓને ભારપૂર્વક જોડવામાં આવે છે. તેથી તેમાં સ્વૈચ્છિકપણું કશું હોતું નથી.

આગામી ૧૫મી ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથિએ રન ફોર યુનિટીનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ દોડ આખા દેશમાં યોજવાનું આયોજન છે પણ વડોદરામાં આયોજકોએ શહેરની શાળાઓના આચાર્યોની બેઠક કરી શાળા દીઠ ૫૦૦૦ માથાં એકઠા કરવાની જવાબદારી આચાર્યોને સોંપી હોવાનું કહેવાય છે.

આયોજકોએ આચાર્યોને તેમની શાળાના બાળકો, ઉપરાંત તેમના વાલીઓ અને ભાઈ – બહેનોનાં ફોર્મ પણ ભરી લાવવા સૂચના આપી છે. એટલું જ નહીં, ફોર્મ ભરનારાઓને હાજર રાખવાની જવાબદારી પણ જે તે શાળાના આચાર્યની રહેશે તેવી પણ તાકીદ કરવામાં આવી છે.

નવલખી મેદાન પર મુખ્યમંત્રી સવારે ૭ વાગ્યે દોડને પ્રસ્થાન કરાવશે. એટલે દોડવીરોને સવારે છ વાગ્યે મેદાન પર નિયત કરેલી જગ્યાએ હાજર થવા જણાવાયું છે. સવારે છ વાગ્યે જગ્યા પર પહોંચવા વિદ્યાર્થીનો પરિવાર સવારે કેટલા વાગ્યાથી તૈયાર થવા લાગશે તેની ગણતરી આયોજકોએ માંડી નથી.

આ પરિવાર તેમના વાહનમાં આવશે. તો પાર્કીંગની જગ્યાથી દોડના પ્રારંભ સ્થળે પહોંચતા કેટલો સમય લાગે તેમાં પણ મુખ્યમંત્રી આવવાના હોઈ, આ પરિવારના વાહનને કેટલા કોઠા વીંધવા પડશે, તેવી કોઈ ગણતરી સ્વપ્નશીલ આયોજકોના દિમાગમાં નથી.

સવારના છ વાગ્યાથી દોડ પૂરી થાય ત્યાં સુધીમાં વિદ્યાર્થીની નાસ્તા, પાણીની વ્યવસ્થા અંગે આયોજકો સ્પષ્ટ નથી. પાંચ કિ.મી.ની દોડ પૂરી કર્યા પછી પોતાના વાહન સુધી પરત ફરવામાં અને પછી આ પરિવારને ઘરે પહોંચવામાં કેટલી યાતના ભોગવવી પડશે તેની કોઈ ગણતરી કરાઈ નથી.

statue_of_unity_31102013યુનિટી રન સાથે મેરેથોનને જોડવાથી જે અરાજકતા ઊભી થવાની છે તેનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ અને તેની સાથે આવનારાઓ બનવાના છે. નવાઈની વાત એ છે કે વાતવાતમાં શિક્ષક કભી સાધારણ નહીં હો સકતા જેવા ભારેખમ સૂત્રો ફેંકનારા આચાર્યો પૈકી કોઈ આચાર્યએ આયોજકો પાસે આ બાબતનો ખોંખારીને જવાબ સુધ્ધાં નથી માંગ્યો.
આમ છતાં આચાર્યો અને વાલીગણનાં મોટા વર્ગે પોતાની રવિવારની રજા સમયે અવ્યવસ્થાઓમાંથી પસાર થવા સામે નામરજી વ્યક્ત કરી હોવાનું શિક્ષણ જગતના સૂત્રોએ જણાવ્યું હતું.

Share:

Comments are closed

Photo Gallery