સંજય પટેલનો સાથ સમરજીતને ડૂબાડશે
સત્તા નહિ પણ સ્ટેટસ માટે અત્યંત મહત્વની ગણાતી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી હવે લગભગ નક્કી છે. હજુ ગઈકાલ સુધી ભાગબંટાઇ કરનારા બે જૂથો આવતીકાલે તમામ બેઠકો પર ઝંપલાવશે. વર્ષો સુધી સાથે રહી જુના ક્રિકેટરો અને વડોદરા ક્રિકેટના ભીષ્મ પિતામહ સ્વ. લેલેનું ઘોર અપમાન કરનારા હવે સામસામે લડી રહ્યા છે. એક બાજુ વર્તમાન પ્રમુખ ચિરાયુ અમીન છે તો બીજી બાજુ વડોદરાના રાજવી સમરજીતસિંહ ગાયકવાડ છે. સૌને અંદરોઅંદર લડાવી બરોડા ક્રિકેટની ઘોર ખોદનારા શકુની એવા સંજય પટેલનો સાથ સમરજીતસિંહને ડૂબાડશે એવી ચર્ચા વચ્ચે સત્તાધારી પક્ષ ભાજપનું આંતરિક રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.
રાજવી સમરજીતસિંહ સંઘના એક જૂથના સથવારે ક્યાંક સંસદની ટીકીટ ન મેળવી જાય એવી બીકથી સાંસદ બાલુ શુક્લના ટેકેદારો BCAની ચૂંટણીને સમરજીતનું Waterloo બનાવવા કાર્યશીલ થયું છે. બીજી બાજુ ધારાસભ્ય યોગેશ પટેલ, નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, વુડા અધ્યક્ષ નારણ પટેલ પેલેસની તરફેણમાં છે. ધારાસભ્ય જીતુ સુખડિયા હાલ દૂધ અને દહીંમાં પગ રાખી બેઠા છે. ‘ઉપર’થી આદેશ કોનો આવે છે એના પર અન્યની નજર છે.
હાલ તો બરોડા ક્રિકેટ એસોસિએશનના ૧૮૦૦ જેટલા હયાત સભ્યોને ઘી કેળા છે. રોજ નવા નવા પકવાન ખાવા મળે છે. આજે સંજય પટેલ અને સમરજીતસિંહ ગાયકવાડ જૂથ તરફથી મિલનકુંજ ખાતે ૨૦૦ જેટલા સભ્યો અને ‘અસભ્યો’નું સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું જેમાં ખુબ આક્રમક રીતે ચિરાયું અમીનના ગેરવહિવટ અને સ્ટેડિયમ કાંડ અંગે ભાષણ કરવામાં આવ્યા.
પહેલી નજરે લાગે છે કે સંજય પટેલનો સાથ અને સ્વભાવ સમરજીતસિંહના અરમાનો પર પાણી ફેરવશે.