વડોદરામાં શરુ થયો ત્રિદિવસીય મેગા પ્રોપર્ટી ફેર..
ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૧ સમિટ અંતર્ગત કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા-ક્રેડાઇની વડોદરા શાખાના ઉપક્રમે આજથી અકોટા સ્ટેડિયમ ખાતે મેગા પ્રોપર્ટી ફેરનું આયોજન કરાયું છે. આ પ્રોપર્ટી ફેરમાં મધ્યમ વર્ગ માટે પોષણક્ષમ મકાનોથી માંડી વૈભવી મકાનોના પ્રોજેક્ટની માહિતી મળી શકશે. આજે આ મેગા ફેરનું ઉદ્ઘાટન શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ મેગા પ્રોપર્ટી ફેર અંગે માહિતી આપતાં ક્રેડાઇ-વડોદરાના પ્રમુખ વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે, ક્રેડાઇ સાથે વડોદરા શહેરના પ્રોપર્ટી ડેવલપમેન્ટના વ્યવસાય સાથે ૩૦૦ થી વધુ સભાસદો નોંધાયેલા છે. આ સંસ્થા દ્વારા સૌ પ્રથમ વખત ડ્રીમ બિગ-ડ્રિમ વડોદરાના નામે પ્રોપર્ટી એક્ઝિબિશન યોજાયો છે. જેમાં વડોદરા શહેરના બાંધકામ વ્યવસાયને લગતા અલગ-અલગ સ્પોન્સરર્સ અને કો-સ્પોન્સરર્સ દ્વારા ૬૦ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.
આ ફેરમાં આમ આદમીનું ઓછા બજેટમાં ઘરનું સ્વ સાકાર થાય તેવી સ્કીમની માહિતી પણ આપવામાં આવી છે. આ ફેરમાં શહેર અને શહેર આસપાસ તૈયાર થઇ રહેલી સ્કીમોનું ડિસપ્લે એક જ સ્થળેથી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાક ડેવલપર્સ દ્વારા જાહેર થનારા ઇન્સેન્ટીવનો લ્હાવો મુલાકાતીઓને મળશે. પ્રોપર્ટી એક્ઝિબિશન દરમિયાન હેરિટેજ વડોદરા ગેલેરીનું પ્રદર્શન જાહેર જનતા માટે ખુલ્લુ મુકાશે. જેમાં વડોદરા વિશેની તમામ બાબતોને આવરી લેતી ઓડિયો મ્યુઝિક, મલ્ટી મિડિયા શો અને લેઝર શો યોજાશે.