|   Today : 10/05/2021       04:20:38    You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
Sayaji Samachar : Vadodara's No.1 Gujarati News Portal | News in Gujarati | Gujarati News Headlines | Gujarati Breaking News – Daily Gujarati News

બોર્ડ-નિગમોમાં ભરતીનો દોર શરુ કરી મોદીજીએ દિલ્હી જવાના સંકેત આપ્યા…

છેલ્લા આઠ-આઠ વર્ષોથી ભાજપના કાર્યકરો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા એ કામ હવે મોદીજીએ આજે એકાએક શરુ કરતાં મહાનાયક બનવા મોદીજી દિલ્હી પ્રયાણ કરશે એવા સંકેત અર્વાચીન ચાણક્યે આપી દેતા ગાંધીનગરના રાજકિય વર્તુળોમાં દિવસભર ચર્ચા રહી.

ગુજરાતના નાથ બનીને નરેન્દ્ર મોદી દિલ્હીથી આવ્યા ત્યાર બાદ એમના કાર્યકાળમાં બોર્ડ અને નિગમોમાં નિમણુંક થઇ નહોતી.હજારો સ્થાન ખાલી હતા અને ભાજપના કાર્યકરો આજે નહિ તો કાલે મોદીજી બોર્ડ-નિગમોમાં પોતાને સ્થાન આપશે એવું માની લાળ લબડાવતા રહ્યા. આજે એકાએક મોદીજીએ આઠ નિગમોના અધ્યક્ષપદે આઠ નેતાઓની નીમણુંકો કરતાં લાગે છે કે મોદીજી રાજકારણના નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યા છે.

પોતાના વિશ્વાસુ એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાજ્ય આયોજન પંચના ઉપાધ્યક્ષની મહત્વની જવાબદારી મોદીજીએ સોંપી છે. જયારે અમદાવાદની લોકસભાની ટિકિટથી વંચિત રહેલા કૌશિક પટેલને ૨૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. એક જમાનામાં મોદીજીના ખાસમખાસ ગણાતા જયંતી બારોટને હાઉસીંગ બોર્ડના અધ્યક્ષ બનાવી  ઉત્તર ગુજરાતને પ્રતિનિધિત્વ આપ્યું છે. મનસુખ માંડવીયાને ગુજરાત એગ્રોના તથા પરષોત્તમ ભોજ્વાણીને જામનગર શહેરી વિકાસ સત્તામંડળના અને પૂનમ મકવાણાને અતિ પછાત જાતી વિકાસ બોર્ડના અધ્યક્ષ બનાવાયા છે.

લગભગ નામશેષ થઇ ગયેલા કેશુભાઈ જૂથના મહેન્દ્ર ત્રિવેદીને યાત્રાધામ વિકાસ બોર્ડ અને પૂર્વ સાંસદ વલ્લભ કથીરિયાને ગૌપાલક બોર્ડના અધ્યક્ષપદ જેવા તુચ્છ હોદ્દા આપી મોદીજીએ પાર્ટીમાં પોતાની સર્વોપરિતા સૌને સમજાવી દીધી હોય એમ લાગે છે. વલ્લભ કથીરિયા ગત ચૂંટણી સમયે મોદીજીની નયનસભર માફી માંગી આવ્યા હતા એ તો સૌ જાણે જ છે.

ગુજરાતમાં દસ વર્ષ સુધી એકચક્રી શાસન ચલાવી દેશભરમાં લોકપ્રિયતા હાંસલ કરનાર મોદીજી માટે રાષ્ટ્રીય રાજનીતિમાં પ્રવૃત્ત થવાની સોનેરી તક છે કારણ કોંગ્રેસનો કપરો કાળ ચાલી રહ્યો છે અને ભાજપ માટે સારો સમય આવી રહ્યો છે. એ સંજોગોમાં કદાચ આનંદીબેન ને ધુરા સોંપી મોદીજી હવે દિલ્હી જાય તો નવાઈ નહિ.

અણધાર્યું કરવા માટે જાણીતા મોદીજી શું કરશે એ તો મોદીજી જ જાણે..

Share:

Comments are closed

Photo Gallery