એકલા અટુલા અણ્ણા ફરી કરશે અનશન
હજુ બે વર્ષ પૂર્વે સમગ્ર દેશમાં જેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી અને જેમના એક બોલે લાખો યુવાનો કુરબાની આપવા તૈયાર હતા એવા અણ્ણા હઝારે આજકાલ સાવ અરણ્યવાસમાં ધકેલાઈ ગયા છે. એમના ખભે બેસી નામના મેળવનાર અરવિંદ આણી મંડળીએ તો અણ્ણાની પીઠમાં ખંજર ભોંકી રાજનીતિમાં ઝંપલાવ્યું તો બીજી બાજુ કિરણ બેદી અને જનરલ વી.કે. સિંહે અણ્ણાની આંગળી છોડી ભાજપ તરફ પ્રયાણ કર્યું.
હવે અણ્ણા સમજી ગયા છે કે એમને માટે દિલ્હી અને જનલોકપાલ જોજનો દુર છે. દિલ્હીમાં અનશન ગોઠવી શકે એવા ‘વ્યવસ્થાપકો’ રહ્યા નથી. નેશનલ મીડિયાને હવે અણ્ણાના અનશનમાં રસ નથી. કારણ કે અણ્ણા એમના TRP નથી. પરિણામે વાસ્તવિકતા સમજી સમસમી ગયેલા અણ્ણા દેશના પાટનગરમાં નહિ પરંતુ માદરે વતન રાલેગણ સિદ્ધિ ખાતે આગામી ૧૦ ડિસેમ્બરથી જનલોકપાલ માટે આમરણાંત અનશન કરશે. અણ્ણાએ પત્ર લખી વડાપ્રધાન મનમોહનસિંગને આ નિર્ણયની જાણ કરી છે.
અણ્ણા આજકાલ એકલા છે. દિલ્હીના સત્તાના ગલિયારામાં જે શખ્સનું નામ દબાતા સવારે લેવાય છે એવા પત્રકાર કમ સત્તાના બ્રોકર સંતોષ ભારતીય અણ્ણાના સલાહકાર છે. જે અન્યને અણ્ણાથી દુર રાખે છે. સંતોષ ભારતીય અગાઉ વી.પી. સિંહ નામના તરંગી વડાપ્રધાનની અત્યંત નજીક હતા.