આકાશી યુદ્ધ માટે શસ્ત્ર સજ્જ થતાં સૈનિકો…
મકરસંક્રાતિને આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આકાશી યુદ્ધના સૈનિક ગણતાં પતંગ – દોરીનાં બજાર સજ્જ થઇ રહ્યાં છે. આ વર્ષે ખાસ ઉત્તરાયણ પર્વે અવનવાં મોહરાં અને રંગીન હેર સ્ટાઇલવાળી વગિ આકર્ષણ જમાવશે. આ ઉપરાંત બોલીવુડના કલાકારોની તસવીરોવાળાં પતંગો પણ બજારમાં વેચાવા માટે આવી ગયા છે.
ઉત્સવપ્રિય નગરી વડોદરાનાં નોરતાંની માફક ઉત્તરાયણ પર્વ પણ દેશ – દુનિયામાં અનોખી ઓળખ ધરાવે છે. બે દિવસ માટે આખું શહેર જાણે ધાબા પર ધબકતું હોય તેવો માહોલ સર્જાય છે. મકરસંક્રાતિનું કાઉન્ટ ડાઉન આમ તો ભૂલકાંઓએ શરૂ કરી દીધું છે તેવી જ રીતે બજારોમાં રંગ જામવાનું શરૂ થઇ ચૂક્યું છે. અવનવાં પતંગ – દોરીની ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેમજ ટોપીથી માંડી ગુંદરપટ્ટી સુધીની ચીજવસ્તુઓમાં અવનવી વસ્તુઓ બજારમાં આકર્ષણ ઊભું કરી રહી છે.
ઇલોરાપાર્ક વિસ્તારમાં પતંગરસિકો માટે તાપથી બચવા વિવિધ જાતનાં મોહરાં, રંગીન હેર સ્ટાઇલ પણ ઉપલબ્ધ થઇ રહ્યાં છે. સાથે સાથે નાનાં ભૂલકાંઓ માટે વિશેષ નાના પતંગો જેમાં ખાસ તો ડિઝાઈનવાળી નાની ફિરકીઓ જોઇને ભૂલકાંઓનો આનંદ સમાય તેમ નથી.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અગાસીઓમાં પતંગો સાથે શીલા કી જવાની, મુન્ની બદનામ હુઇ વગેરે રમઝટ જમાવશે.
પતંગરસિકો જોડે તેઓને સાથ આપનારાંઓ માટે માથે પહેરવાની રંગીન હેર ડિઝાઈનર વિગ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રથમ વખત વિવિધ પ્રકારના હેલોવિન માસ્ક પણ બજારમાં જોવા મળી રહ્યા છે. દરેક અગાસીમાં આ પ્રકારના માસ્ક અને હેર સ્ટાઇલ આકર્ષણનું કેન્દ્ર બની રહે તો નવાઇ નહીં. તો નાનાં ભૂલકાંઓમાં સોલાર ફેનવાળી ટોપી પણ ઉપલબ્ધ છે.